ડાંગ
ડાંગના દુર્ગમ જંગલ વિસ્તારમાં 108 બની જીવનદાતા : ગળામાં નાળ ફસાયેલા નવજાત સાથે સફળ પ્રસૂતિ
શિવાજી કવર સાથે યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ ડાંગ.

સમયસૂચકતા, કુશળતા અને તબીબી માર્ગદર્શનથી માતા-નવજાતનો બચાવ; 108 ટીમની કામગીરીને બિરદાવાઈ
- આહવા : ડાંગ જિલ્લાના દુર્ગમ ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે ફરી એકવાર માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દબાસ ગામે પ્રસૂતિ દરમિયાન સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાં આહવા આઈસીયુ લોકેશનની 108 એમ્બ્યુલન્સના સ્ટાફે સમયસૂચકતા અને કુશળતા દાખવી માતા અને નવજાત બંનેનો જીવ બચાવ્યો હતો.
- મળતી માહિતી મુજબ દબાસ ગામની 18 વર્ષીય વર્ષાબેન શિવદાસભાઈ પવારને પ્રસૂતિની પીડા સાથે પગમાં સોજો અને હાઈ બ્લડ પ્રેશરની ગંભીર સમસ્યા હતી. જાણ થતાં જ આહવા આઈસીયુ લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈએમટી પ્રકાશભાઈ પટેલ અને પાયલોટ સુભાષભાઈ રાઠોડે પરિસ્થિતિનું તાત્કાલિક મૂલ્યાંકન કરી એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી.
- પ્રસૂતિ દરમિયાન નવજાત બાળકના ગળામાં નાળ ફસાઈ જવા જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. છતાં ઈએમટી પ્રકાશભાઈ પટેલે પોતાની કુશળતા અને સૂઝબૂઝથી નાળ દૂર કરી સુરક્ષિત રીતે પ્રસૂતિ કરાવી હતી.
- અમદાવાદ સ્થિત 108 મુખ્ય કંટ્રોલ સેન્ટરના ડૉ. રુચિનાએ ફોન દ્વારા સતત તબીબી માર્ગદર્શન આપ્યું હતું. તેમના માર્ગદર્શન મુજબ પ્રસૂતાને ઓક્સિજન, આર.એલ. ફ્લુઇડ અને જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે માતા અને નવજાતને સી.એચ.સી. સામગહાન ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
- આ સફળ કામગીરી બદલ પ્રસૂતાના પરિવારજનોએ 108ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કામગીરી બદલ ઈ.એમ. અરવિંદ ચૌધરી તથા પી.એમ. હેમંત સોલંકીએ ટીમને અભિનંદન પાઠવી તેમની સેવાભાવના અને ફરજનિષ્ઠાની પ્રશંસા કરી હતી .




