“બે સદીની સેવા, શિક્ષણ અને સંસ્કારની ગૌરવગાથા: આહવા દીપ દર્શન શાળામાં વેદ્રુના સંઘના 200 વર્ષની ભવ્ય ઉજવણી”
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ શિવાજી કવર (આહવા બ્યુરો)

“ધ કાર્મેલાઈટ સિસ્ટર્સ ઓફ ચેરિટી ટ્રસ્ટ” સંચાલિત આહવા દીપ દર્શન માધ્યમિક શાળામાં તા. 15 જુલાઈ, 2026ના રોજ વેદ્રુના સંઘના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેદ્રુના સંઘની સ્થાપના ઈ.સ. 1826માં સ્પેન દેશમાં સેન્ટ જોકિના દે વેદ્રુના દ્વારા નવ સિસ્ટરો સાથે કરવામાં આવી હતી. છેલ્લા બે સદીથી આ સંસ્થા વિશ્વના ચાર ખંડોમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રહી છે.
ડાંગ જિલ્લાના આહવા માં પણ છેલ્લા 50 વર્ષથી વેદ્રુના સંસ્થા સંચાલિત દીપ દર્શન શાળાના સિસ્ટરો અને શિક્ષકો શિક્ષણ ક્ષેત્રે સતત કાર્યરત છે. તેમના સમર્પિત પ્રયાસોના પરિણામે શાળાએ વર્ષ 2025-26 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં 100 ટકા પરિણામ મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાર્થના, નૃત્ય અને વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહાનુભાવોએ વધાવી લીધી હતી.
કાર્યક્રમમાં શ્રી રાજેશભાઈ ગામીત (પ્રમુખશ્રી, ડાંગ જિલ્લા પંચાયત), ફાધર અશોક વાઘેલા (પ્રમુખશ્રી, નવ જ્યોત ટ્રસ્ટ, સુબીર), શ્રી રોહનભાઈ ટંડેલ (જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, આહવા), શ્રી કલ્પેશભાઈ ચૌધરી (tpO, આહવા), દીપ દર્શન સંસ્થાના મેનેજર સિસ્ટર નાઈટિંગલ, વાલી પ્રતિનિધિ શ્રી અનિલભાઈ વાઘ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન દીપ દર્શન માધ્યમિક શાળાના આચાર્ય સિસ્ટર સુહાસિની પરમાર, પ્રાથમિક વિભાગના આચાર્ય સિસ્ટર સ્મિતા તથા અંગ્રેજી માધ્યમના આચાર્ય સિસ્ટર મનિષાના માર્ગદર્શન અને આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે વેદ્રુના સંઘની 200 વર્ષની સેવાયાત્રાને બિરદાવતા સમાજમાં શિક્ષણ, સેવા અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.



