ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે નિયમિત ‘પોલીસ લોકદરબાર’ યોજવા અને અગાઉના દરબારોની વિગતો જાહેર કરવા બાબતે કલેક્ટર કચેરી દ્વારા પોલીસ અધીક્ષકને કાર્યવાહી કરવા આદેશ.
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ નવસારી

ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમયથી ‘પોલીસ લોકદરબાર’ (પોલીસ દરબાર) યોજવામાં ન આવતા હોવા અંગે ખેરગામના ડો.નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ગંભીરતાથી લઈ નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા નવસારી જિલ્લા પોલીસ અધીક્ષક (SP) ને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા લેખિત સૂચના આપવામાં આવી છે. ખેરગામ-બહેજ રોડ સ્થિત ચિતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડો.નિરવ ભુલાભાઈ પટેલે ગત તા. ૧૭/૦૯/૨૦૨૬ ના રોજ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમયથી પોલીસ લોકદરબાર યોજવામાં આવ્યા નથી.આ રજૂઆતમાં પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે ખેરગામ પોલીસ સ્ટેશનમાં નિયમિતપણે લોકદરબાર યોજવામાં આવે, આ અંગે તપાસ કરવામાં આવે તેમજ અત્યાર સુધીમાં અગાઉ યોજાયેલા તમામ લોકદરબારોની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ અરજીના અનુસંધાને નવસારીના નાયબ કલેક્ટર દ્વારા તા. ૦૬/૧૧/૨૦૨૬ ના રોજ સત્તાવાર પત્ર પાઠવીને નવસારી પોલીસ અધીક્ષકને અરજીની તમામ વિગતો ધ્યાને લઈ નિયમોનુસાર તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું છે.
આ આદેશ બાદ હવે ખેરગામ તાલુકાના નાગરિકોને પોલીસ તંત્ર સમક્ષ પોતાના પ્રશ્નો સીધા રજૂ કરવા માટે નિયમિત લોકદરબારનું આયોજન થશે તેવી આશા જાગી છે.




