ટોપ સ્ટોરીઝ

ગુજરાતમાં બનશે બે અનોખાં `રબ્બર ડેમ’ : સિંચાઈ અને પૂર નિયંત્રણ માટે નવી પહેલ

સાં.સ.સાભાર અને યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ તાપી

દક્ષિણ કોરિયાની ટેકનોલોજીથી હેરણ અને અંબિકા નદી પર રૂા.162 કરોડથી વધુના ખર્ચે બનેલ આધુનિક પ્રોજેક્ટ આકાર લેશે.

અમદાવાદ, ગુજરાત સરકાર રાજ્યનાં અંતરિયાળ વિસ્તારો સુધી સિંચાઈ અને પાણીની સુવિધા સુદ્રઢ કરવા માટે એક અનોખો પ્રયોગ કરવા જઈ રહી છે. રાજ્યમાં પહેલીવાર દક્ષિણ કોરિયા અને જાપાનની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બે `એર-ફિલ્ડ રબ્બર ડેમ’ એટલે કે હવાથી ફૂલાવી શકાય તેવા ડેમ બનાવવામાં આવી રહ્યાં છે.

આ પ્રોજેક્ટ છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી તાલુકાનાં રાજવાસણા ગામ નજીક હેરણ નદી પર અને તાપી જિલ્લાનાં ડોલવણ તાલુકાનાં પાઠકવાડી ગામે અંબિકા નદી પર તૈયાર થઈ રહ્યાં છે.

પરંપરાગત સિમેન્ટ કે પથ્થરનાં ચેકડેમની સરખામણીએ આ વિસ્તારોમાં રબર ડેમ પસંદ કરવાનું મુખ્ય કારણ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ છે. આ વિસ્તારો સમતળ હોવાનાં કારણે અને નદીનાં કાંઠા નીચા હોવાનાં કારણે અહીં પરંપરાગત રીતે વધારે ઊંચાઈ ધરાવતા ચેકડેમ બનાવવાનું શક્ય નહોતું.

આ ભૌગોલિક પડકાર સામે આધુનિક ટેકનોલોજી એક ઉત્કૃષ્ટ ઉપાય સાબિત થઈ છે. હેરણ નદી પર રૂા.82.97 કરોડથી વધુ અને અંબિકા નદી પર રૂા.79.13 કરોડનાં ખર્ચે આ પ્રોજેક્ટ્સ નિર્માણ પામી રહ્યાં છે, જેમાંથી પાઠકવાડી ડેમનું 90 ટકા અને રાજવાસણા ડેમનું 75 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

આ રબર ડેમની કાર્યપદ્ધતિ અને તકનીકી વિશેષતા ખૂબ જ આધુનિક છે. તેમાં કોંક્રિટના પાકા બેઝ પર રબરનું એક વિશેષ બ્લેડર સ્થાપિત કરવામાં આવે છે. પાઠકવાડી ખાતે વપરાનાર રબર બ્લેડર દક્ષિણ કોરિયાથી મંગાવાયું છે, જે 50 ડિગ્રીથી વધુ તાપમાન સહન કરી શકે છે અને તેનો આયુષ્યકાળ અંદાજે 30 વર્ષ જેટલો છે.

આ ડેમ સંપૂર્ણપણે કોઈ મેનપાવર વગર SCADA ઓટોમેશન સિસ્ટમ દ્વારા કમ્પ્યુટરથી જ ઓપરેટ થશે. જ્યારે નદીમાં પાણીનો સંગ્રહ કરવો હોય ત્યારે તેમાં હવા ભરીને તેને ફૂલાવી દેવાશે અને ચોમાસામાં ભારે પૂર દરમિયાન તેમાંથી હવા કાઢીને તેને બેસાડી દેવામાં આવશે.

જેથી નદીનો પ્રવાહ બિલકુલ અવરોધાય નહીં અને કાંઠાની જમીનનું ધોવાણ અટકે. આ બંને પ્રોજેક્ટ સાકાર થવાથી સ્થાનિક સ્તરે જળક્રાંતિ આવશે. આ રબર ડેમ પદ્ધતિથી નદીમાં તણાઈ આવતો કાંપ અને રેતી આસાનીથી વહી જશે, જેથી ડેમની જળસંગ્રહ ક્ષમતા હંમેશાં જળવાઈ રહેશે.

આ બંને ડેમ દ્વારા કુલ અંદાજે 7 મિલિયન ક્યુબિક મીટર જેટલા વિશાળ પાણીનાં જથ્થાનો સંગ્રહ થશે, જેનાથી આસપાસનાં વિસ્તારોના કૂવા અને બોરના ભૂગર્ભ જળસ્તર ખૂબ ઊંચા આવશે. હેરણ નદી પરનાં ડેમથી 25 જેટલા ગામોનાં તળાવો ભરીને 3,420 હેક્ટર વિસ્તારને પાણી અપાશે.

જ્યારે અંબિકા નદીનાં ડેમથી અંદાજે 650 હેક્ટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. કરાર મુજબ આગામી 10 વર્ષ સુધી આ ડેમનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ એજન્સી દ્વારા જ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!