સુરત

અમલસાડી ગામની દીકરી ઉર્વશીબેન ચૌધરી PSI પરીક્ષામાં સફળ, ગામમાં ગૌરવની લાગણી

યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ

અમલસાડી ગામ માટે ગૌરવની વાત છે કે ગામની શ્રીમતી ઉર્વશીબેન જિતેન્દ્રભાઈ ચૌધરીએ ગુજરાત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા મેળવી છે. તેમની આ નોંધપાત્ર સિદ્ધિથી સમગ્ર ગામમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. હાલ તેઓ આગળની તાલીમ (ટ્રેનિંગ) માટે રવાના થયા છે.

ઉર્વશીબેનના પિતા શ્રી જીતેન્દ્રભાઈ ચૌધરી ખેતી તેમજ ડ્રાઇવિંગનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મર્યાદિત સંસાધનો વચ્ચે પણ તેમણે પોતાની દીકરીના શિક્ષણ અને કારકિર્દી માટે સતત મહેનત કરી, દરેક પરિસ્થિતિમાં તેનો ઉત્સાહ વધાર્યો અને સંપૂર્ણ સહયોગ આપ્યો. પિતાના સંઘર્ષ અને ઉર્વશીબેનના અવિરત પરિશ્રમનું ફળ આજે PSI જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા સ્વરૂપે મળ્યું છે.

ઉર્વશીબેનની સફળતાના પાયામાં નાની ભટલાવના સરપંચ અંકિત ચૌધરીના માર્ગદર્શન હેઠળ સંચાલિત લાઇબ્રેરી અને ગ્રાઉન્ડ પ્રેક્ટિસનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

PSI બનતા પહેલાં ઉર્વશીબેને CCE પરીક્ષા પાસ કરીને રેવન્યુ વિભાગમાં નોકરી મેળવી હતી અને હાલમાં તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા છે. ઉપરાંત તેમણે પોલીસ કોન્સ્ટેબલ તથા રેલવે પોલીસની લેખિત પરીક્ષામાં પણ સફળતા મેળવી હતી. જોકે PSI તાલીમને કારણે તેઓ રેલવે પોલીસની શારીરિક કસોટીમાં હાજર રહી શક્યા નહોતા. અંતે તેમણે પોતાનું PSI બનવાનું સપનું સાકાર કરીને પરિવાર, ગામ અને સમગ્ર વિસ્તારનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.

ઉર્વશીબેનની આ સિદ્ધિ ખાસ કરીને પરિણીત મહિલાઓ, દીકરીઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તેમના ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે ગામજનો સહિત વિવિધ આગેવાનો દ્વારા હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!