આહવામાં 10 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ અંતર્ગત ની ઉજવણી: રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
રિપોર્ટર: શિવાજી કવર આહવા

ડાંગ જિલ્લાના આહવા ખાતે આદિવાસી ઉજવણી સમિતિ, આહવા-ડાંગ દ્વારા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્તે 10 ઓગસ્ટ, 2026ના રોજ વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત આદિવાસી સમાજના અધિકારો, કાયદાઓ અને બંધારણીય જોગવાઈઓ અંગે ચર્ચા-વિચારણા સાથે રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાયો.
સંયુક્ત રાષ્ટ્રસંઘ (UNO)ની સામાન્ય સભાએ 23 ડિસેમ્બર, 1994ના ઠરાવ દ્વારા દર વર્ષે 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી વિશ્વભરના આદિવાસી સમાજ દ્વારા પોતાની સંસ્કૃતિ, અસ્મિતા, ઓળખ અને અસ્તિત્વના જતન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આહવામાં યોજાનાર કાર્યક્રમમાં ખાસ કરીને વન અધિકાર કાયદો-2006, પેસા કાયદો તથા તેના નિયમો અને બંધારણની પાંચમી અનુસૂચિ હેઠળના આદિવાસી વિસ્તારોના વિશેષ અધિકારો સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
ડાંગ દરબાર હોલથી રેલી યોજાશે
આયોજકોના જણાવ્યા મુજબ 10 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે આહવા સ્થિત ડાંગ દરબાર હોલ પાસે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા. ત્યારબાદ મુખ્ય માર્ગ પરથી રેલી યોજી પેટ્રોલ પંપ તરફથી ફરી ડાંગ દરબાર હોલ ખાતે પરત આવી સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સભા બાદ આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને એક પ્રતિનિધિમંડળ દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આદિવાસી ઉજવણી સમિતિ દ્વારા આહવા અને ડાંગ જિલ્લાના આદિવાસી ભાઈ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામા આવ્યો હતો




